પુષ્પા  ..


પુષ્પા  ..

ફ્લાવર નહિ ‘મિસફાયર ‘ ..

નાઇન્ટીઝનો એક દાયકો એવો હતો કે જયારે બોલિવુડના દર બીજા મૂવિમાં કારણ વગર પંજાબી તડકો લગાવી દેવાતો. પંજાબીઓને “ભૈલો ભૈલો “ કરવાનું આ દુષણ તો ઇન્દિરા ગાંધીએ ખાલિસ્તાનનું ખસીકરણ કરી નાખ્યું એ વખતનું શરુ થઇ ગયેલું. ભરચક ટ્રાફિક વચ્ચે રસ્તે રખડતી ગાયની માફક મૂવિની સ્ટોરીમાં “તૂસી ગ્રેટ હો “ ..”છેત્તિ છેત્તિ ફલાણું કર દાં અને છેત્તિ છેત્તિ ઢીંકણું કર દાં” ..”ગાજરદા હલવા,સરસોંદા સાગ,મકકી દી રોટી “ ભટકાયે રાખતા.એ જમાનામાં ત્રણ કલાકના મૂવિમાં અઢી કલાક સુધી આવું કશું ના આવે,તો ટેન્શનના માર્યા અમારા માથાના વાળ ઊંચા થઇ જતા (કારણકે એ જમાનામાં વાળ હતા. ),કે હજી સુધી રાંઝણા ,ઢોલના ,માહિયા ,મખણાં કેમ ત્રાટક્યા નહિ ? તબિયત તો ઠીક હશેને ?

ત્યાર પછી એક યુગ સંજયભાઈ લીલાબેન ભણસાલીનો આવ્યોકે જેમાં  ગુજરાતી રાસકે રાજસ્થાની લોકગીત મારી મચડીને ઘુસાડી દેવાતું. ઐશ્વર્યા રાયથી માંડીને રણબીર કપૂર સુધીના લોકોને ગુજરાતીપણાનું ખૂન કરતા પણ દર્શકોએ સહન કરી લીધા. 

બોલિવુડના દર્શકોની સહનશક્તિને વધારે ચકાસવા માટે મધપૂડા જેવી દાઢી રાખનાર પંજાબીઓથી શરુ થયેલ સિલસિલો હવે સાઉથના મધપૂડા અલ્લુ અર્જુનકે લલ્લુ અર્જુન સુધી પહોંચીને અટક્યો છે.’પુષ્પા’ની શરૂઆતમાં જ એક વાક્ય સ્ક્રીન પર લખાઈને આવ્યું  ..”થેન્ક્સ ટુ અજય દેવગણ “ અને એ વાંચતા જ અમે ફફડી ઉઠ્યા. જો કે આખું મૂવિ જોયા પછી ખ્યાલ આવ્યોકે આ વાહિયાત મૂવિને વધુ ત્રાસદાયક ના બનાવવા બદલ આ મૂવિમાં એના ભાવવિહીન ચહેરાની ગેરહાજરી બદલ દર્શકોએ એનો આગોતરો આભાર માન્યો હોવો જોઈએ.એક્સપ્રેશનલેસ થોબડા માટે આ કલાકાર  પદ્મભૂષણ નહિ તો કમસે કમ સ્વર્ગસ્થ ભારતભૂષણ એવોર્ડનો તો ચોક્કસ હકદાર બને છે. બોલો જુબાં કેસરી ..

ખેર,બેક ટુ લલ્લુ અર્જુન ..સાઉથ તરફના કોઈ ગામડામાં જેમનો એક પગ કબરમાં લટકે છે એવા કાકા ,ઘરમાં  બે જુવાનજોધ પુત્રો હોવા છતાં , બીજી કોઈ જગાએ પાર્ટ ટાઈમ ઇલ્લુ ઇલ્લુની ઈતર પ્રવૃત્તિ કરે છે.સામે વાળું પાત્ર પણ કાકાના ઇલ્લુ ઇલ્લુ અટકચાળાની સામે ઈલ્લે ઈલ્લે (કન્નડમાં ના ..ના …) નથી કરતુ, પરિણામે ફળસ્વરૂપે  તેમના ગેરકાયદે સંસારમાં પુષ્પરાજ નામનું એક પુષ્પ પાંગરે છે. આ બનાવ પછી ,ઇલ્લુ ઇલ્લુનો આફરો સમતા ,કાકા તો આ ફાની દુનિયામાંથી એક્ઝિટ મારી લે છે ,પણ પુષ્પા નાનપણથી પગ પર પગ ચડાવીને બેઠો રહે છે.કાકાની ગેરહાજરી ,મોટા ઓરમાન ભાઈઓ સાથેના અણબનાવ અને માતાની વ્યસ્તતાને કારણે પુષ્પાને એ વાત કોઈ સમજાવતું નથી કે આપણે રહીએ છીએ એ ગરમ પ્રદેશમાં આપણે ઘૂંટણ સુધીની લૂંગી પણ પચાસ ટકા ડિસ્કાઉન્ટ સાથે પહેરતા હોઈએ ત્યારે પગ પર પગ ચડાવીને બેસાય નહિ . સ્ક્રિનની સામે બેઠેલા દર્શકોની સુરુચિને પણ ધ્યાનમાં લેવી પડે.પરિણામે પુષ્પ મોટો થયા પછી પણ દર્શકોના લાભાર્થે પગ પર પગ ચડાવીને જ બેસે છે.

સરકારી નોકરી ના કરતો હોવા છતાં પુષ્પામાં સરકારી નોકર બનવાની પૂરી લાયકાત છે.એટલે કામના સમયે પણ એદીની માફક પગ પર પગ ચડાવીને બેઠો રહે છે , પોતાનો પગાર લેવા પણ એના ચાર ફુટિયા ચમચાને મોકલે છે. શેષાંચલમના જંગલમાં લાલ ચંદનના લાકડાની ચોરી અને સ્મગલિંગ કરતા ત્રણ ભાઈઓમાં સૌથી મોટો ભાઈ કોઈ “કોંડારેડ્ડી ” કરીને છે ,જે અક્કલ વગરની બોમ્બવાળી કરવામાં પોતાનો જ એક હાથ ગુમાવી દે છે.હવે એક જ હાથ હોવાને કારણે એ આ લાકડાચોરોની દુનિયા પર કોંડારેડ્ડી  એકહથ્થુ શાસન ચલાવે છે. આ કોંડારેડ્ડીની ટાલ રોટલીના ફૂલકાની જેમ અકુદરતી રીતે ઉપસી ગયેલી છે,અને ટાલની બન્ને તરફના વાળ હાથીની અંબાડી પરની ઝાલરની જેમ ઝૂલે રાખે છે. આ એકહથ્થુ કોંડારેડ્ડીનો બીજો હાથ પુષ્પા બની જાય છે.વધુ ભણ્યો ના હોવા છતાં દક્ષિણ ભારતીય હોવાને કારણે પુષ્પાની મેથર્મેટિકલ સ્કિલ ટનાટન છે,એટલે એ કોન્ડારેડ્ડીના  ફુલ્કા રોટલી જેવા માથા નીચે છુપાયેલા અલ્પમતિ ભેજામાં એ એક વચેટિયા “મંગલમ શ્રીનુ “ને હટાવીને ચોરેલા લાકડા ડાયરેક્ટ ચેન્નાઇ મોકલવાની પેરવી ઉતારે છે. આમાં એ વચેટિયાની હાલત કેપ્ટનશિપ ગુમાવી બેઠેલા વિરાટ કોહલી જેવી થઇ જાય છે.

આ વચેટીયો શ્રીનુ પેલા ફુલ્કા રોટલી કોન્ડા પાસેથી પચીસ લાખમાં લાકડા લઈને દોઢ કરોડમાં વેંચે છે. આટલો પૈસો બનાવતો હોવા છતાં , એણે ફેસબૂક જેવા સ્ટોકમાં રોકાણ કર્યું હશે ,પરિણામે પહેરવાના નામે એની પાસે એક લૂંગી જ છે . ફળ સ્વરૂપે  એ કાળી માટીની મોટી કોઠી પર પાણી ઠંડુ રાખવા કિનારીએ સફેદ કપડું વીંટાળ્યું હોય એવો દેખાય છે . આ કોઠીનો એક સાળો જયારે જુઓ ત્યારે આખો વખત મોઢામાં દાઢી કરવાની બ્લેડ સંતાડીને ફરે છે . આ બ્લેડની અછતને કારણે જ કદાચ  પુષ્પનું દાઢું બાવા રામદેવ જેવું વધી ગયું હશે ,અને એટલે જ પુષ્પા દાઢી નીચે અવળો હાથ વારેઘડીએ ફેરવે રાખે છે , જે બે ચાર વાળ વગર બ્લેડે ખરી પડ્યા એ સાચા  ..!

આવા “સી “ગ્રેડ ફિલ્મમાં અક્કલ વગરના એક્શન દ્રશ્યો હોય એ તો સ્વાભાવિક છે ,પણ મીડિયાએ જે રીતે કોમ્પ્યુટર ગ્રાફિક્સના કસીદા પઢ્યા છે ,એવું કશું છે નહિ. ઈનફેક્ટ નદીમાં પધરાવી દેવામાં આવતા લાકડાના બિમ્સ , લાકડા કરતા તાજ મહેલ છાપ લવિંગીયા ફટાકડા જેવા વધુ દેખાય છે . આગળ જણાવવામાં આવેલું કે આ દુર્લભ લાકડું અપ્રાપ્ય લાગતી વાયોલિન બનાવવામાં વપરાય છે ,એ બીજી વાત છે કે નદીમાં પધરાવેલા હવાઈ ગયેલા ,ફૂલેલા લાકડામાંથી અપ્રાપ્ય વાયોલિન તો દૂરની વાત છે ,તેલાંગણાનો તંબૂરો પણ ના બને.

“તદ્દન રબ્બીશ ,આટલો માર ખાધા પછી કોઈ હસતું હસતું બહાર આવતું હશે?”

પોલીસ સ્ટેશનમાં માર ખાધા પછી ,પુષ્પા હસતો હસતો બહાર આવે છે એ વાત પર તો અમારી ‘એ’ પણ ફુંગરાઈ ઉઠી . 

“હવે ,એ તો શક્ય છે. તું દિલ્હીમાં હતી ,અને હું અમદાવાદમાં એટલે તે મને પ્રિન્સિપાલની ઓફિસમાંથી બહાર આવતા જોયેલો નહિ એટલે  ..”મેં બચાવ કરવા પ્રયત્ન કર્યો .

“એટલે જ તમને આવા મવાલી છાપ …” આગળ બોલવાનું કોઈ કારણસર એણે ટાળ્યું અને ફિલ્મ ધ્યાનથી જોતી હોય એવો ડોળ કરવા લાગી .

મૂવિમાં સમ ખાવા પૂરતી એક હિરોઈન પણ છે પણ આ શ્રીવલ્લીને જોઈને કોઈ ટલ્લી થઇ જાય એ વાતમાં માલ નથી. આ શ્રીવલ્લીના ભાગે હજાર રૂપિયામાં એક સ્માઈલ અને પાંચ હજારમાં એક પપ્પી (GST અલગ),આપવા સિવાય વિશેષ કામ નથી આવતું . જો કે આ “શ્રીવલ્લી”ને કારણે દર્શકોને એક સરસ ગીત સાંભળવા ચોક્કસ મળે છે ,અને એ વાતનો ખ્યાલ આવે છે કે અરિજિત ,પાપોન અને નાટ્યાલની બોલબોલામાં જાવેદ અલી જેવો એક સક્ષમ ગાયક કેવી રીતે કોરાણે મૂકી દેવાયો છે. બાકી જાવેદ અલી જે રીતે ‘ હરફીઈઈઈ ‘ વાળી હરકત કરે છે એ એકાંતમાં પણ કરી જોજો . ચોકઠું નહિ હોય તો પણ ચોકઠું બહાર આવી જવાની મની બેક ગેરેન્ટી  ..

આ ગીત સાથે ,પુષ્પા જે સ્ટેપ લે છે એ ભારતમાં એકદમ ફેમસ થઇ ગયા છે , લોકોને એમાં નવીનતા લાગે છે ,પણ ઇતિહાસ ચકાસો તો ખ્યાલ આવશે ,કે અમારા જૂનાગઢમાં તો આ રોજનું હતું .રણછોડરાયના મંદિરે આરતી ટાણું સાચવવા નાગરો હાંફળા ફાંફળા થતા માંગનાથની કમાન નીચેથી દોડતા ત્યારે રસ્તા વચ્ચે પડેલા છાણના પોદળામાં પગ પડી જતા , વગર સ્લીપરે અને વગર શ્રીવલ્લીએ આમ જ સાઈડવેઝ પગ ઢસડતા. 

મૂવિની છેલ્લી મિનિટોમાં પુષ્પાના લગ્ન લેવાયા હોય છે. મંડપ પાસે ઢોલ,નગારા ,તતૂડી  પિપૂડી વાળા બ્રેક ફેલ થઇ હોય એમ મચી પડ્યા હોય છે ત્યારે પુષ્પા “યારિગુ ઇન્દિડું ઠલ બાગડ નાનુ “,જેવી ભાષાને બદલે  એક હરિયાણવી પોલીસની “ઠારો નામ કે સે ?” જેવી બરછટ ભાષા સહન ના થતા ચડ્ડીભેર કરી નાખે છે . જો કે કેરાલાના સામ્યવાદની અસરને કારણે પોતે પણ લૂંગી ફગાવીને ચડ્ડીભેર થઇ જાય છે. બસ ,આ જ સમયે જિંદગીમાં પહેલી વાર આપણને લફડેબાજ સલમાન માટે અહોભાવ જાગે છે કેમકે “મૈને પ્યાર કિયા” થી “લાલ સિંઘ ચઢ્ઢા “સુધી એ ચડ્ડીભેર ક્યારેય નથી થયો ,ફક્ત શર્ટ જ ઉતાર્યું છે.

આ ક્ષણે અમે મૂવી અટકાવી દીધું .”હવે શું છે ?,રાતેનો એક વાગી ગયો ..” એ પાછી તપી. 

“જોઉં છું ,કેટલી મિનિટ બાકી રહી છે. આ લોક ઓલરેડી ચડ્ડીભેર તો થઇ ગયા છે ..આગળ  …” એના વિસ્ફારિત નેત્રો જોઈને મેં મૂવીને ફાસ્ટ ફોર્વર્ડમાં ભગાવી. 

એક બાબતમાં સાઉથના ફિલ્મમેકર્સ પ્રગતિશીલ ચોક્કસ જણાયા . મોટા ભાગે પુરુષ પરણ્યા પછી ચીંથરેહાલ થઇ જતો હોય છે ,જયારે આંહી પુષ્પા લગ્ન મંડપમાં જ ચીંથરેહાલ અવસ્થામાં એન્ટ્રી મારે છે.

“જો આ પુષ્પનો એક ખભો ઝૂકેલો એટલે છે કેમકે આખા મૂવિનો ભાર એણે એકલાએ ઉપાડ્યો છે , પાર્ટ ટુ આવશે ત્યારે બીજો ખભો પણ ..”

“બીજો પાર્ટ તમે એકલા જ જોજો  હોં .કારણ વગર  આ મૂવિ જોઈને તમે મારા અને તમારા ત્રણ કલાક બગાડ્યા ..” એનો દબાયેલો ગુસ્સો ધીરે ધીરે બહાર આવી રહ્યો હતો .

“જો, આપણે વાર્તા પણ એકાંતરા અઠવાડિયે લખવા માંડ્યા. વાચકોની નવલકથાની માગણી પર પણ ધ્યાન નથી આપતા.એટલીસ્ટ એક લેખ તો  ..”

“રીડર્સનો ખ્યાલ રહે છે ,આ ઘરમાં કેટલું કામ બાકી છે એનો ખ્યાલ ..” 

“અરે લાવ પોતું ,આ રસોડામાં પેલા લલ્લુ અર્જુનની જેમ એક પગ ઢસેડીને ..”

“રહેવા દો ,આખી જિંદગી  આડા જ ચાલ્યા છો ,હવે વધારે આડા  ચાલવાની જરૂર નથી. આમ પણ માથે વાળ નથી એટલે પેલો કંકોડા રેડ્ડી  ..”

“કંકોડા રેડ્ડી નહિ ,કોંડા રેડ્ડી  ..”

“યા ,યા  હુ એવર હી વોઝ  ..”

“અરે ,તેરી ઝલક શ્રીવલ્લી ..” હું હજી પણ મૂવિની અસર નીચે હતો.

“શ્રીવલ્લી ગઈ તેલ લેવા ,એવી ઉપરછલ્લી ટાહ્યલાવાળી કરવાની જરૂર નથી ,બહુ પ્રેમ હોય તો કાલ સવારે  ચાય તમે બનાવજો .”

ત્રણ કલાકના મૂવીનો રીવ્યુ પણ ત્રણ પાના જેટલો  લાંબો થઇ ગયો .

વેલ,કાલ સવારે એને પાછી મનાવી લઈશું , “અપૂન  ઝુકેગા નહિ સાલા  ..’

ધી એન્ડ 

HEMAL VAISHNAV

શિંગોડાની શાળામાં સંગ્રામ


શિંગોડાની શાળામાં સંગ્રામ

સાતમા ધોરણના “અ ” અને “બ” બન્ને વર્ગોનો રીસેસ પહેલાનો ચોથો  પિરિયડ જોગાનુજોગ ફ્રી હતો. બન્ને વર્ગના છોકરાઓ માટે પીરીયડની પિસ્તાલીસ અને રીસેસની અડધી કલાક મળીને  સ્કૂલના ગ્રાઉન્ડમાં એક મીની ક્રિકેટ મેચ રમી નાખવાની સુવર્ણ તક હતી.

આમ તો અમને “બ” વર્ગના વિદ્યાર્થીઓને “અ” વર્ગના વિદ્યાર્થીઓ માટે છૂપો તિરસ્કાર રહેતો. વર્ણ વ્યવસ્થા ,કાસ્ટિઝમ એવા ભેદભાવ ના હોવા જોઈએ એવી પિપૂડી વગાડે રાખતા શાળાના સંચાલકોએ વ્યવસ્થા જ એવી કરેલી કે આગળ વર્ષમાં  જેમના વધારે માર્ક આવ્યા હોય એ “અ ” વર્ગમાં અને બાકીના છાંડેલાઓ “બ” વર્ગમાં …!

આટલું ઓછું હોય એમ અલગ અલગ પિરિયડના વિષય લેવા આવતા શિક્ષકો પણ એકની એક ઘીસી પીટી રેકર્ડ વગાડે રાખતા  …”સામેના ‘અ’ વર્ગ વાળાઓને જૂઓ , કેટલી ખંત , કેટલી ચીવટપૂર્વક અભ્યાસ કરે છે વગેરે વગેરે  ..” જો કે એ વખતે આ શિક્ષકો અંગ્રેજોની ડિવાઇડ એન્ડ રૂલની નીતિ અપનાવી રહ્યા હોવાનો અમને નિર્દોષ(!) બાળકોને ખ્યાલ આવતો નહિ. બસ એ વખતે શાળાનું મેદાન  એ એક જ જગા એવી હતીકે જ્યાં હોશિયારકે ઠોઠનો ભેદભાવ ભૂલીને રમી લેવાતું.

ત્રીજો પિરિયડ પૂરો થયો હોવાનો ઘંટ વાગ્યો અને બીજી મિનિટે જ અમે મેચની પૂર્વતૈયારી રૂપે સફેદ કેનવાસ શૂઝની દોરી કસીને બાંધવા લાગ્યા. બરાબર એ જ સમયે કલાસનું બારણું ખુલ્યું , અને બારણાની મધ્યમાં બેઠી દડીના વિશાળકાય પ્રિન્સિપાલ શાંતિલાલ દેખાયા.

“લ્યા,હેમલિયાએ પાછું કંઈ હળગાયું , બાકી શિંગોડો  ના આવે  ..” પાછલી બેન્ચ પરથી કોઈ ગણગણ્યું. બેઠી દડીના શાંતિલાલના ત્રિકોણીયા કાન પર કાળા વાળના વધી ગયેલા ગુચ્છા  ગેરકાનુની બાંધકામની  જેમ કાયમી ધોરણે  અડિંગો જમાવીને પડ્યા રહેતા. શાળાનો ઘંટ એમની ઓફિસની બહાર જ લટકતો રહેતો અને જેટલી વાર એ ઘંટ વાગતો એટલી વાર એ થડકી જઈને ખુરશી પર ઉછળતા હોવા જોઈએ એટલે આ ઉછળકુદને રોકવા એ બન્ને કાનમાં રુના પૂમડા ભરાવેલા રાખતા. કાનના આ બ્લેક એન્ડ વ્હાઈટ કોમ્બિનેશનને કારણે  એમના ચહેરાની બન્ને બાજુએ કાનની જગાએ શિંગોડા ચોંટાડ્યા હોય એવું લાગતું , અને પરિણામે એમનું નામ “શાંતિ શિંગોડો  ” પડી ગયું હતું  . મોટા ભાગે અમારા કલાસમાં આવ્યા પછી , પોતાની ઓફિસ સુધીની અંધારી કોરિડોર પસાર કરતા બીક લાગતી હોયકે પછી ફક્ત કંપની આપવા માટે જ હોય , પણ કલાસમાં આવ્યા પછી શિંગોડો  ખાલી હાથે ક્યારેય પાછો ના જતો , મોટા ભાગે એ મને સાથે જ લઇ જતો  …!!

જો કે એ દિવસની વાત અલગ હતી , શિંગોડો  પોતાની સાથે એક યુવાનને લઈને આવેલો. બે કિલોના ડિટર્જન્ટના  ખોખા પર પચાસ ગ્રામની ટૂથપેસ્ટ મફત મળે એમ આ હિનક યુવાન , શિંગોડાની વિશાળ કાયા પાસે પચાસ ગ્રામની ટૂથપેસ્ટ જેવો લાગતો હતો. પોતાનું પાતળું શરીર  શર્ટમાંથી કોઈ ઠેકાણેથી ક્યાંક છટકી ના જાય એટલા માટે એણે  એની લાંબી બાયના શર્ટના કોલરનું બટન અને શર્ટની બાંયના બટન ચપોચપ બીડી રાખ્યા હતા. જો કે બંધ બટનની આટલી સિક્યોરીટી  હોવા છતા એમના ગળાનો હૈડિયો “ચલ ઉડ જા રે પંછી કી અબ યે દેશ હુઆ બૈગાના” ગાતો હોય એમ વારંવાર બંધ કોલરના જાપ્તામાંથી છટકવાની પેરવી કરતો હતો, એ ઉતપાતિયા હૈડિયાને પાછો યથાસ્થાને ગોઠવવા આ યુવાન વારંવાર થૂંક ગળતો હતો અને એ જેટલી વાર થૂંક ગળતો એટલી વાર પોતે પોતાનું જ દુખ જોઈ શકતો ના હોય એમ એની આંખો બંધ થઈ જતી હતી. હૈડિયો યથાસ્થાને ગોઠવાઈ ગયા પછી આંખોનું જનજીવન રાબેતા મુજબ ચાલુ થઈ જતું હતું .

“આ અવધેશ કુમાર છે , બી એડના વિદ્યાર્થી છે ,આજનો  પ્રોક્સી પિરિયડ આ લેશે. વૈષ્ણવ એન્ડ પાર્ટી , આઈ ડોન્ટ વોન્ટ એની ન્યુસન્સ  ..” શિંગોડાએ કારણ વગર જ મને હૂલ આપી. શિંગોડાએ મારી તારીફમાં જે કસીદો પઢ્યો એ પછી ગુજરાત બહારથી આવેલ હૈડિયાસમ્રાટ અવધેશકુમાર પણ મને લંકાનો રાવણ સમજવા લાગ્યો હતો.

અમારા વર્ગનો હવાલો  બિનગુજરાતી અવધેશ કુમારને સોંપીને શિંગોડાએ પહેલી વાર મારા સાથ વગર જ અમારા કલાસની બહાર ભારેખમ પગલાં ભર્યા. અવધેશ કુમાર જયારે અમારા વર્ગના બારણાં બંધ કરી રહ્યા હતા , ત્યારે અમારી નજર ‘અ’ વર્ગના ખુલ્લા બારણાં તરફ પડી. ‘અ’ વર્ગના ખંત અને ચીવટપૂર્વક ભણનારા વિદ્યાર્થીઓ એક બીજા પર કાગળના વિમાન ઉડાડી રહ્યા હતા ,અને ફ્રી પિરિયડ માણી રહ્યા હતા  ..!!

“ઇતિહાસનો  પુસ્તક બહાર કહાડો  ,ઇતિહાસ ભણવાના  ના આજે ?”   નર્વસનેસ છૂપાવવા  પોતાના શર્ટની બાંયના બટનને ગોળ ગોળ ફેરવતા અવાજમાં બને એટલી મીઠાશ ઘોળીને નર્વસ બની ગયેલા અવધેશકુમારે અશુદ્ધ ગુજરાતીથી અમને વશ કરવાનો  પ્રયત્ન કર્યો.

“ના ભણાય ,ઇતિહાસ આજે  …” અમારો મોનિટર જવાબ આપે એ પહેલા મેં શુદ્ધ ગુજરાતીમાં જ અવધેશની અવધિ પૂરી કરી નાખી.

મારી આવી સ્પષ્ટ જાહેરાતથી અવધેશકુમાર વધારે નર્વસ થઇ ગયા અને ટેબલ પર પડેલો પાણીનો પ્યાલો હૈડિયાના નર્તનના સથવારે એક  શ્વાસે ગટગટાવી ગયા.

“સર, આજે અમારે ઇતિહાસનો પિરિયડ નથી , એટલે એની ચોપડી કોઈ લાવ્યું નહિ હોય.” વિનીત નામ હોવા છતાં વિનિયા તરીકે ઓળખાતા મોનિટરે વિનયપૂર્વક ચોખવટ કરી.

ઘડીભર અવધેશ કુમારને પોતાની નૌકા ડોલતી લાગી, અને પ્રારંભિક રુકાવટ પછી , અમને પણ અમારી મેચ શરુ થવાના એંધાણ વર્તાવવા લાગ્યા.

ઇતિહાસની જ વાત નીકળી છે , તો ઇતિહાસ ગવાહ છે કે જયારે જયારે કલાસમાં ભણવાની જગ્યાએ તોફાન કરવાની આવી અનેરી તક મળે છે ,ત્યારે દરેક કલાસમાં એક છૂપો અમીચંદ પોત પ્રકાશે છે. અમારા કલાસમાં પણ આવો એક ભણેશ્રી ચિરાગ ઉર્ફે ચીકો ચોખલિયો હતો. એ શરીરથી જ અમારા કલાસમાં હતો ,પણ એનો આત્મા “અ ‘ વર્ગ વાળા પાસે હતો  .આ વર્ષે સારા માર્ક આવે તો આગળ વર્ષે  અમને છોડીને “અ ” વર્ગમાં જવા મળે એવી ચોખલિયાની મહેચ્છા હતી.સાહેબોનો પ્રિય ચીકો ચોખલિયો આગલી બેન્ચ પર પોતાની હથેળી પર હડપચી ટેકવીને સાહેબના શબ્દામૃતનું બૂંદે બૂંદ પોતાની કર્ણકટોરીઓમાં ઝીલવાને આતૂર રહેતો. એ જ્યારે જ્યારે આવી અદામાં બેસતો ત્યારે સાહેબને ના દેખાય એમ એના પેન્ટની પાછળના ભાગની સિલાઈને હું બ્લેડથી છૂટી પાડવાનો પ્રયત્ન કરતો  .આની પાછળ મારી સદભાવના એટલી જ હતી કે ચીકો ચોખલિયો અમારા કલાસનો એક માત્ર ભણેશ્રી હતો કે  જે ‘અ ‘ વર્ગના ખંત અને ચીવટપૂર્વક ભણતા વિદ્યાર્થીઓની બરાબરી કરી શકે એમ હતો,અને એને ભણતી વખતે પૂરતી મોકળાશ મળી રહે એ જરૂરી હતું.

“સર , ‘અ’ વર્ગવાળાને ઇતિહાસનો પિરિયડ હતો સવારે… ,એ લોકો લાયા હશે ચોપડી  ..” ચોખલિયા અમીચંદે  પોત પ્રકાશ્યું. સાલું ,અમને અમારું ટાઈમ ટેબલ યાદ રહેતું ના હતું , અને આ ચોખલિયાને સામેના કલાસનું પણ ટાઈમ ટેબલ ખબર હતી…!!

જાણે ન્યુક્લિયર બોમ્બથી આ વિશ્વને બચાવવાનું સ્તુત્ય કામ કર્યું હોય એમ ચોખલિયાએ બત્રીસી ફાડતા પાછળ ફરીને અમારી સામે જોયું, પણ અમારા ચહેરા પરનું ખુન્નસ જોતા જ ચોખલિયાનો ગોરો ચહેરો પીળો પડી ગયો.

અવધેશ કુમાર અને મોનિટર વિનિયા સાથેની મંત્રણાઓ પછી એમ નક્કી થયું કે કલાસમાંની પાટલી દીઠ  એક ,એમ ગણીને એકવીસ ચોપડીઓ ‘અ’ વર્ગ વાળા પાસેથી ઉધાર લેવી , અને પાટલી પર બેઠેલા ત્રણ જણ વચ્ચે એક ચોપડી શેર કરવી.

થોડી વારે એકવીસ ચોપડીનો થપ્પો લઈને વિનિયો , હનુમાન દ્રોણાગીરી પહાડ લઈને આવતા હોય એમ વર્ગમાં દાખલ થયો ,અને અમને અમારી મેચ વગર વરસાદે ઓફિશિયલી કોલ્ડ ઓફ થઇ રહી હોવાનો  ખ્યાલ આવ્યો.

ચોપડી ખોલીને , અવધેશ કુમારે અશુદ્ધ ગુજરાતીના સહારે 1857ના બળવા વિશે ભણાવવાનું શરુ કર્યું .બી.એડનું ભણતા અવધેશ કુમાર અમારા રેગ્યુલર ટીચર ન હોવા છતાં , અમીચંદ ચોખલિયો , હથેળી પર હડપચી ટેકવીને  …..હવે તમે સમજી ગયાને યાર  ..

ચોખલિયાને  એની વેવલાઈ માટે ફૂલફ્લેજ્ડ સજા તો રિસેસમાં કરીશું , પણ અત્યારે શુકનની  તો શુકનની ,પણ થોડી સજા  તો કરવી જ જોઈએ એવું  મેં અને મારી બાજુમાં બેસતા ધીમલા ઉર્ફે ધીમંતે વિચાર્યું .અમે બન્ને  પેન કાઢીને , શાહીના છંટકાવથી  ચોખલિયાની પીઠ પર એમ.એફ.હુસેનવાળી  કરવાનું વિચારતા જ હતા , અને અનાયાસે મારી પેન ઇતિહાસની ચોપડીના ખુલ્લા પાનાં તરફ જતી રહી. વર્ગમાં વાત 1857ના બળવાની ચાલતી હતી , પણ મારી જેમ જ બેધ્યાન ધીમલો ,લોર્ડ વેલેસ્લીનો  પાઠ ખોલીને બેઠો હતો , અને અંગ્રેજોએ આપણો  દેશ બરબાદ કર્યો હતો એની સજા રૂપે મેં પેનથી લોર્ડ વેલેસ્લીની એક આંખ કાણી કરી નાખી  …!!

“લ્યા ,આપણી ચોપડી નોય,એ લોકોને ખબર પડશે તો આપણાને મારેએએએ   ..” શુદ્ધ અમદાવાદીમાં ધીમલો ધખ્યો.

“આ ચોપડી ,આપણી બેન્ચ પર જ છે એની એમને ખબર ક્યાંથી પડવાની ? ,વિનિયો તો આખો ઢગલો લાવ્યો હતો એમ જ પાછો આપવા જશે.” મેં ધીમલાને ધીરજ આપી.

મારી દલીલ પછી ,ધીમલો પણ ધીરો પડ્યો ,અને એણે હિંમતભેર ,ચોપડીના બીજા પાના ફેરવીને , ઇતિહાસનું એક બીજું અમર પાત્ર , કે જેમનું સરદાર પટેલ કરતા પણ મોટું પૂતળું બનાવવાની ગાંડી ઘેલી યોજના પાડોશી રાજ્યના આગેવાનો કરી રહ્યા છે , એ પાત્રની દાઢી પેનથી સાવરણી જેટલી મોટી કરી નાખીને મારી સામે બાઘાની જેમ હસવા લાગ્યો.

થોડીક જ ક્ષણોમાં અમારી હરકતોની વાત,કરોના વાઇરસની જેમ દરેક બેન્ચ પર ફેલાઈ ગઈ. મેચ ના રમવાથી હતાશ થયેલા સહાધ્યાયીઓ, પોતાની હતાશા, ઉધાર લીધેલી ઇતિહાસની ચોપડીના પાને પાને કાઢવા લાગ્યા. હવે કોઈની ચોપડીમાં અકબર બાદશાહ થૂંકતો હતો , તો કોઈની ચોપડીમાં ઝાંસીના રાણી અંગ્રેજ સામે લડતા લડતા ચૂંગી પીતા હતા.  પાતળીયા અવધેશકુમારની જાણ બહાર જ ઇતિહાસનો પિરિયડ ,ચિત્રકામના પિરિયડમાં ફેરવાઈ રહ્યો હતો. એ કબુલ કરવું પડશે કે મારી કલ્પનાશક્તિ મારા સહાઘ્યાયીઓની સરખામણીમાં ઘણી સીમિત હતી. જેમ ભારતના શાસકો , દેશને મંદીમાંથી બહાર કાઢવાને બદલે શહેરના નામો બદલીને પાછું જૂનું  નામાકરણ કરવા પાછળ આદુ ખાઈને મચી પડ્યા છે એમ ,મારા કેટલાક સહાધ્યાયીઓ પોતાને ભાગે આવેલી ઇતિહાસની ચોપડી જેની માલિકીની હતી , એમનું કે એમના કુટુંબીજનોનું નામ ઇતિહાસના અમર પાત્રો સાથે સાંકળવા લાગ્યા. જેમકે શાહજહાંના ચિત્ર નીચે ” અરવિંદનો બાપો ” ..તાત્યા ટોપેના ચિત્ર નીચે , “પ્રજ્ઞેશની મમ્મી  ..” વગેરે વગેરે  ..

જ્યાં સુધીમાં આ ફેલાઈ ગયેલા રોગચાળાની ચીકા ચોખલિયાને ખબર પડી ત્યાં સુધીમાં બહુ મોડું થઇ ગયું હતું, પણ ખબર પડ્યા પછી એ અમીચંદના પેટમાં વલોપાત શરુ થયો. “સર ,એકી કરવા જઉં ?” , ચોખલિયાએ અવધેશકુમારની પરવાનગી માંગી , બાથરૂમ સુધી જતા જતા , ચોખલિયો ડાયવર્ઝન લઈને  એના ભવિષ્યના બનનારા સહાધ્યાયીઓને વહાલો થવા “અ ” વર્ગ તરફ વળ્યો.ખંત અને ચીવટપૂર્વક ફ્રી પિરિયડ માણી રહેલા વિદ્યાર્થીઓ પાસે એમની ચોપડીઓ સાથે થતા ચેડાની ચાડી ચોખલિયો ખાઈ આવ્યો . બસ થઇ રહ્યું  …, જે લોકોની ચોપડીઓ અમારે ત્યાં મરમ્મત માટે આવી હતી એ લોકો સફાળા અમારા વર્ગ તરફ કૂચ કરી ગયા.

એક સાથે કોઈ પચીસ એક્સ્ટ્રા વિદ્યાર્થીઓનું ટોળું અમારા કલાસમાં ધસી આવેલું જોઈને , પહેલા તો અવધેશકુમારને પોતાની ભણાવવાની શક્તિ તરફ માન  ઉપજ્યું ,પણ “અ ” વર્ગના વિદ્યાર્થીઓને પોતાની ચોપડીઓ તરફ એટેક કરતા જોઈને એ ઘલવાઈ ગયા. “વર્ગમાં શિસ્ત રખ્ખો  ,શિસ્ત રખ્ખો   ..શિસ્ત  ..શિસ્ત  ..” કરતા કરતા થોડી વારમાં અવધેશકુમારના અવાજની જગાએ બેગોન સ્પ્રેના પંપમાંથી થતા હોય એવા સીસકારા અને સુસવાટા  જ સંભળાવા લાગ્યા,અને છેવટે તો અવાજ આવવો તદન બંધ થઈ જઈને એમના બંધ કોલરના શર્ટ નીચે  ગળાનો હૈડીયો જ ઊંચો નીચો થતો દેખાવા લાગ્યો.

સ્વાભાવિકપણે બે વર્ગો વચ્ચે ખૂંખાર બળવો ફાટી નીકળ્યો હતો. “અ” વર્ગના કમનસીબે જે લોકોની ચોપડી સંડોવાયેલી હતી એ સિવાય બાકીના વિદ્યાર્થીઓને લડવામાં  રસ હતો નહિ ,જયારે અમારા પક્ષે છોકરીઓને બાદ કરતા ચાલીસ છોકરા  ..સોરી, ચોખલિયાને પણ બાદ કરતા ઓગણચાલીસ છોકરાઓનું ઝૂંડ હતું. મારામારીમાં એ લોકોને જ વધારે માર પડવા લાગ્યો.સરવાળે અમારા કરતા ગણિતમાં હોંશિયાર એવા “અ ” વર્ગના વિદ્યાર્થીઓ યુદ્ધની ગણતરીમાં ગોથું ખોઈ ગયા હતા. આગલી બેન્ચ પરથી ચોપડીઓ છીનવીને એ લોકો આગળ વધે ત્યાં સુધીમાં અમારી પાછલી બેન્ચના વિદ્યાર્થીઓ એ એકઝ્યુકેટીવ  ડિસીશન લઈને , એમની પાસે રહેલી ચોપડીઓના બુક બાઇન્ડિંગનું અતૂટ બંધન છૂટું પાડવા લાગ્યા હતા. પૂંઠા વગરની ચોપડીઓના પાનાં જીવ  ઊડતી વખતે ખોળિયું તડફડે એમ પંખાના પવન વચ્ચે ફડફડી રહ્યા હતા.

‘અ’ વર્ગવાળા સાથે ખંત અને ચીવટપૂર્વકની મારામારી ચાલી રહી હતી. કેટલાક વિદ્યાર્થીની ટાઈ ખેંચાઈને એક તરફ લબડી પડી હતી ,તો ખેંચતાણમાં કોઈ કોઈના કોલર ફાટી ગયા હતા . ભગવાન રામ જ્યારે સેતુ બાંધતા હતા ત્યારે નાની ,નબળી ખિસકોલીએ પણ યોગદાન આપ્યું હતું ,એમ અમારા પક્ષના કેટલાક શારીરિક રીતે નબળા વિદ્યાર્થીઓ એ આ યુદ્ધ દરમિયાન પેનથી શાહીનો છંટકાવ ચાલુ રાખીને વાતાવરણને રંગીન બનાવવામાં યથા શક્તિ ફાળો આપ્યો હતો. આ યુદ્ધ દરમિયાન અમારી પાર્ટીના જ કેટલાક છોકરાઓએ ,ચીકા ચોખલિયાને  પણ કોલેટરલ ડેમેજ ગણીને એની ડાગળી પર બે ચાર સજ્જડ મુક્કીઓ રસીદ કરી દીધી. આગામી થોડા  દિવસો સુધી  ચોખલિયો હથેળી પર હડપચી ટેકવવાને કાબિલ રહેવાનો ના હતો એ હકીકત હતી.

પિરિયડ ઉપરાંત , રીસેસ પણ બરબાદ થઇ ચૂકી હતી. સ્કૂલના ઇતિહાસમાં પહેલી વાર પ્રિન્સિપાલની ઓફિસમાં આખો કલાસ બોલાવવામાં આવ્યો હોય એવી ઘટના ઘટી હતી.  અમારા પક્ષે ઇજા ઓછી હોવા છતાં , અમારી તરફનો કેસ મજબૂત રહે ,એટલા માટે અમારા મિત્રોએ ,પ્રિન્સિપાલની ઓફિસ સુધી પહોંચતા પહોંચતા પોતાના જ ખમીસના ગજવા ,જરૂરિયાત પૂરતા પોતાના હાથથી જ ફાડી નાખ્યા હતા. ઓફિસ  મધ્યે બિરાજમાન શાંતિલાલના શિંગોડા ગુસ્સામાં શેકાઈને લાલઘૂમ થઇ ગયા હતા. શિંગોડાના સ્વામીએ વારાફરતી દરેક છોકરાની ઉલટ તપાસ લેવાનું શરુ કર્યું. ટોળામાં હું અને ધીમલો પાછળ હતા અને ચીકો વધારે વટાણા ના વેરે એટલે સ્ટ્રેટેજીકલી અમે એને અમારા બન્નેની વચ્ચે રાખેલો. “યાર ,મારા બાપાને ખબર પડશે તો કેટલું એમ્બેરેસિંગ  ..” ચીકો રડમસ થઈને કકળાટ કરતો હતો. “અબે , તો અમારા બાપાને ખબર પડશે તો એ લોકો ખુશીના માર્યા દમાદમ મસ્ત  કલંદર ગાવાના છે ?જો ચીકા, થઇ ગયું એ થઇ ગયું .જો સાંભળ,શિંગોડો  પાસે આવે ત્યારે એકદમ ચૂપ રહેજે  ..” મેં એને અતિ આવશ્યક એવી દાંટી આપી.

“પણ યાર ,જુઠ્ઠું,મારા બાપાને ખબર   …” ચીકો હજી પણ અમને શહિદ કરવા પર તુલ્યો હતો. ધીમલાએ મિત્રભાવે એના ખભાની આસપાસ વિશેષ મજબૂતીથી હાથ ભેરવ્યો  ..”લ્યા ,તારા બાપાની તો  ..” કશુંક અજુગતું  બોલાઈ જશે એ ભયે ધીમલાએ  ફેરવી તોળ્યું  ..”તારા બાપાની તો નવી જ સાઇકલ છે ને ?તું મારી પાછલી સોસાયટીમાં જ રહે છે ને ? કાલે સવારે તારા બાપાની સાઇકલનું એક જ પૈડું હશે ,ચીકા   ..” એક પૈડાની સાઇકલ પર બાપા બેલેન્સ કરીને નહેરુનગરથી ખાડિયા નોકરી કરવા જશે ,તો નદીના પટમાં આવેલા સર્કસવાળા, બાપાને રાખી લેશે એવા કોઈ અજ્ઞાત ભયથી ચીકો સમસમીને ચૂપ થઇ ગયો.

ગુસપુસ સાંભળીને શાંતિલાલના શિંગોડા ઉતેજીત થયા.”વૈષ્ણવ એન્ડ પાર્ટી  …” ,દરવખતની જેમ શિંગોડાપતિ  આદતસે મજબૂર આગળ “ગેટ આઉટ ફ્રોમ ધ સ્કુલ”બોલવા જતા હતા ,પણ એમના કહેવાથી અમારી જેવા આજ્ઞાંકિત વિદ્યાર્થીઓ  તો હાથ ખંખેરીને સ્કુલની બહાર ચાલતા થઈ જશે પણ પછી અમારી હાજરીના  અભાવે આ આખો કેસ જ ખારિજ થઇ જશે એવું લાગતા ફક્ત  ડોળા તતડાવીને ચૂપ થઇ ગયા.

કોના દ્વારા કેટલું નુકશાન થયું છે એ નક્કી કરવું અશક્ય હતું ,અને અમારા વર્ગવાળા આર.એસ.એસમાં ના હોવા છતાં ,સંઘની શક્તિથી પરિચિત હતા,એટલે કોઈ પણ જણ બીજા વિરુદ્ધ બોલવાને તૈયાર ન હતો.છેવટે ‘અ ‘વર્ગવાળા પર માફીપત્ર લખીને અમે દરેક નીચે સહી કરીએ,અને એ માફીપત્ર સ્કૂલના નોટીસબોર્ડ પાર અઠવાડિયા સુધી રહે એવું નક્કી કરવામાં આવ્યું. અમે તો અમારા પ્રગતિપત્રકમાં પણ જાતે જ સહી કરીએ એવા સ્વાવલંબી પહેલેથી જ હતા એટલે માફીપત્ર પર સહી કરવામાં વાંધા જેવું અમને લાગ્યું નહિ. એ જમાનામાં લેખક તરીકે મને કોઈ જાણતું ના હોવાને કારણે વિનિયાએ જ અમારી બધા તરફથી માફીપત્ર લખ્યું ,અને એની નીચે અમે હસવું છુપાવીને હસ્તાક્ષર આપ્યા  ..

આ ઘટના પછી હબક ખાઈ ગયેલા અવધેશકુમારે , બંધ કોલરે અને ઉતપાતિયા હૈડિયા સાથે શિક્ષક બનીને આવતી પેઢીમાં સંસ્કારનું સિંચન કરવાની યોજના કાયમી ધોરણે પડતી મૂકી દીધી  .છેલ્લા  ખબર મળ્યા મુજબ કાળક્રમે  અવધેશકુમાર મામલતદારની કચેરીમાં નોકરી સ્વીકારીને બે પાંદડે  થઇ ગયા હતા. અમારી સ્કૂલમાં પણ  ઇતિહાસનો વિધિવત અભ્યાસ કર્યા  વગર જ , વિશ્વયુદ્ધ કેમ શરુ થતા હશે એનું પ્રેક્ટિકલ નોલેજ ‘અ ‘ અને ‘બ ‘ ,બન્ને વર્ગોને મળી ગયું હતું.છતાં  આજ સુધી કોઈએ આ બાબતે મારો આભાર નથી માન્યો એ અલગ વાત છે.હશે હવે આપણે આપણું દિલ મોટું રાખવું ,બીજું શું ?

હેમલ વૈષ્ણવ BFE5A7D1-0DF5-475C-A5D7-93803DE096A1

કબીરસિંઘનું કચુંબર


કબીરસિંઘનું કચુંબર

ઘણા ડોક્ટરના દવાખાના બહાર લખ્યું હોય છે કે બુટ ચંપલ બહાર કાઢીને અંદર આવવું. અમે નાના હતા ત્યારે એમ સમજતાકે ડોક્ટરનું દવાખાનું મંદિર જેટલું પવિત્ર કહેવાય અને ડોક્ટર ભગવાન સ્વરૂપ કહેવાય એટલે આવી યોજના કરવામાં આવી હશે. કાળક્રમે અમને ખબર પડી કે ડોક્ટરોના ચીરી નાખતા ભાવ સાંભળીને કોઈ ડોક્ટરને જોડો ઉપાડીને લમણે વળગાડી ના દે એ માટે આવું આયોજન કરવામાં આવેલું હોય છે.આ તો જોડા કાઢીને આવવાની વાત થઇ ,પણ કબીરસિંઘ એક એવું મૂવી છે કે જે તમારા લિવિંગ રૂમમાં જોતા હો તો પણ જોડા પહેરીને જોવું હિતાવહ છે.કેમકે કઈ ક્ષણે તમે આ જોતા જોતા બેભાન થઇ જાઓ અને તમને તમારો જ જોડો સૂંઘાડવો પડે એ નક્કી નહિ.

હેલ્મેટ , પીયુસી વગેરે ના કાયદા મોડા આવશે તો ચાલશે , પણ સૌથી પહેલો કાયદો એવો લાવવાની જરૂર છે કે જો કોઈ બે જણા કોલેજના પહેલા સેમિસ્ટરમાં પ્રેમમાં પડે તો બીજા સેમિસ્ટર સુધીમાં ફરજીયાત એમને સાત ફેરા ફેરાવી દેવા. આ કાયદો જો સખતપણે અમલમાં આવશે તો જ કબીરસિંહ જેવા મૂવી બનાવવાની જરૂર નહિ પડે .એક પ્રેમકથાને જે એંગલથી કદરૂપી કરી શકાય એ તમામ એંગલ આ મૂવીમાં કવર કરી લેવામાં આવ્યા છે.

છેલ્લા કેટલાય સમયથી મને લાગતું આવ્યું છે કે બોલીવડમાં ઘણા સારા કલાકારો મૌજૂદ હોવા છતાં આ પંકજપુત્ર શાહિદ કપુરને પરાણે પરાણે દર્શકને માથે મારે રાખવામાં આવે છે. દરેક ગટ્ટીમાં આમીરખાન બનવાનું ગજું નથી હોતું ,એ વાત કોણ જાણે કેમ આ પંકજપુત્રને મગજમાં ઉતરતી નથી. ખરેખર તો છેલ્લા કેટલાક વખતથી એટલે કે પધ્માવત અને ઉડતા પંજાબના વખતથી એ જે રીતે લઘરવઘર દાઢું વધારીને ફરે છે એ જોતા એ રામદેવ બાબાની મીની આવૃત્તિ જેવો વધારે લાગે છે. રામદેવ બાબાએ લોમ અનુલોમ સાથે યાહોમ કરીને આને દત્તક લઈને પંકજપુત્રમાંથી પતાંજલિપુત્રનું બિરુદ આપી દેવાનો સમય આવી ગયો છે.એના પરિણામે એ જો રામદેવના પગલે ચાલીને બ્રહ્મચર્ય અપનાવે તો એની ભ્રમરવૃત્તિ પર તાળું લાગી જાય અને કિયારા અડવાણી જેવી છોકરીઓ બચી જાય. આમ પણ આ મૂવીમાં રામદેવની જેમ જ શાહિદ ઊંડા શ્વાસ ખેંચે રાખે છે ,ફરક એટલો જ છે કે શાહિદ જેટલી વાર ઊંડો શ્વાસ ખેંચે છે એટલી વખત એના મોઢામાં સિગરેટનું ઠૂંઠું હોય છે.

જો કે કિયારાબેન પણ આ મૂવી પૂરતા તો દૂધના ધોયેલા નથી જ . મેડિકલ કોલેજના પહેલા સેમિસ્ટરમાં જ એક ઓછાબોલી યુવતિ, એ જ કોલેજના માતેલા સાંઢ જેવા છોકરાના પ્રેમમાં બેવજાહ પડી જાય. એની સાથે બોયઝ હોસ્ટેલમાં રહેવા જતી રહે એવા તુક્કા તો શેખચલ્લીને પણ નહિ આવતા હોય.આખી સ્ટોરીમાં અમદાવાદના રસ્તા કરતા પણ વધારે ખાડા છે. દિલ્હીની મેડિકલ કોલેજમાં શાહિદ કપુર ફાઇનલ ઈયરમાં ભણે છે (કે ભણવાનો ઢોંગ કરે છે ) , આ શાહિદ કપુર 50% ગૂંડો ,25% ગાંડો અને 25% બાવો (રામદેવ !!) અને 0% ડોક્ટર લાગે છે. આ રોમિયો ,કોલેજમાં નવી આવેલી કિયારા અડવાણીના પ્રેમમાં પડી જાય છે,અને એ કિયારાના કલાસમાં જઈને બાકીના વિદ્યાર્થીને ધમકી આપી આવે છે કે આજથી આ કિયારા મારી ,તમારે એને માં ,બહેન,માસી , ફાઈ,મામી કે એવું કાંઈ પણ માનવાનું નહિ. આ ધમકી એ પંજાબીમાં આપે છે ,જે કલાસ લઇ રહેલા દિલ્હીના પ્રોફેસરને જ સમજાતી નથી , પણ મૂવી જોનારા દરેક ગુજરાતીને સજ્જડ સમજાઈ જાય છે.

એની હાઉ ,આ માથા ભારે રોમિયો કિયારાને બોયઝ હોસ્ટેલમાં રહેવા લઇ જાય છે.સાલું આ ટાઈમે અમારી જેવા બોયઝ હોસ્ટેલમાં રહી ચૂકેલાને વિચાર આવે કે ,અમારી એક રૂમમાં બે વિદ્યાર્થી લીગલી રહેતા અને ત્રીજો પાર્ટનર એકાદ મહિના માટે ગેરકાયદેસર રહેતો તો પણ રેક્ટરથી ફફડતા રહેતા અને આ પતાંજલિપુત્ર ,કિયારાને લઈને …!!
આંહી જ ભારતના અભૂતપૂર્વ વિકાસને શત શત નમન કરવાની ઈચ્છા થઇ જાય …!!

જો કે દરેક પ્રેમીઓના જીવનમાં વિરહ આવતો હોય છે એમ ,આ મૂવીમાં પણ પતાંજલિપુત્ર MS કરવા મસૂરી જાય છે ,અને કિયારા બેન MBBS કરવા દિલ્હી રહી જાય છે. પણ દર ત્રીજા દિવસે પેલી સ્પાઇસ જેટની પાંખે સવાર થઈને મસૂરી પેલાને મળવા જાય છે ,અને દર પાંચમા દિવસે પેલો જટાયુ આને મળવા દિલ્હી આવતો રહે છે.વચ્ચેના દિવસોમાં બંને એપલના મોંઘાદાટ લેપટોપ પર ડેટા પ્લાનની ચિંતા કર્યા વગર ફેસ ટાઈમ પર ઇલુ ઇલુ કરે રાખે છે. આ લેખક અને એના સહાધ્યાયીઓને ગર્લફ્રેન્ડ ના હોવા છતાં ફિઝિક્લથેરાપીનો ચાર વર્ષનો કોર્સ , છ વર્ષે માંડ માંડ પૂરો કરી શક્યા હતા (આ બાબતે લેખકના સહાધ્યાયીઓ આટલા વર્ષે પણ આ લેખકનો જ વાંક જુએ છે ,એ વાત અત્રે અપ્રસ્તુત છે. ),તો આ સંજોગોમાં આ બન્ને આ ઈત્તરપ્રવૃત્તિ સાથે MS કે MBBS કેવી રીતે પૂરું કરી શકશે એવી શંકા વારંવાર જાય છે.

પંજાબી હોવા છતાં આ પ્રેમી પંખીડા હિસાબની દ્રષ્ટિએ ગુજરાતી જેવા પાકા છે ,એટલે પરણ્યા વગર પણ કેટલી વાર સહશયન કર્યું છે એનો પાકો હિસાબ રાખે છે ,અને એ આંકડો હેલમેટ વગર પકડાતા થતા દંડ કરતા પણ વધારે એવો ગંજાવર છે કે ,આ તોતિંગ જુમલા પછી હવે આ બન્ને જણ એકબીજાને પરણવાના ધમપછાડા શું કરવા કરે રાખે છે એ સામાન્ય દર્શકની સમજની બહાર જતું રહે છે .

એઝ યુઝવલ કિયારા સાથે પતાંજલીપુત્રને છાનગપતિયા કરતા કિયારાનો સરદારજી પિતા જોઈ જાય છે અને એની પાઘડીમાં લક્ષ્મી છાપ ટેટો ફૂટ્યો હોય એમ ધુમાડા નીકળવા માંગે છે ,અને બાપ,દીકરી અને પતાંજલીપુત્ર વચ્ચે તણખા ઝરવા માંડે છે ,અને દિવાળી એના નિર્ધારીત સમય કરતા વહેલી જ ઉજવાઈ જાય છે.ખુન્નસએ ભરાયેલો પાઘડી પિતા , પોતાની દીકરીને કોઈ બીજા સરદારજી સાથે બઝાડી દે છે . આના ગમમાં આપણો મીની રામદેવ બીડી ઉપરાંત દારૂ અને ડ્રગના રવાડે ચડી જાય છે ,અને તો પણ સર્જરી ઉપર સર્જરી કરે જાય છે (પછી લોકો ડોક્ટરને મારવા ના લે તો બીજું શું કરે ?)

એક આડવાત ,અમે ક્યારેય ડ્રગ લીધી નથી , ઈનફેક્ટ અમે તો કવિનાઈનની ગોળી જોઈએ તો પણ અમારા ગાત્રો શિથિલ થઇ જાય છે , એવા સંજોગોમાં એક પ્રશ્ન અમને હંમેશા સતાવતો રહ્યો છે. જુના જમાનામાં નાગરો જમતી વખતે અપોસણ મુકતા કે જેમાં થાળીની બહાર ભાતની ત્રણ નાની ઢગલી ત્રણ સ્લીપ ગોઠવી હોય એવી રીતે કરતા એમ આ ડ્રગ લેનારા પેલા ટેલ્કમ પાઉડર જેવા દેખાતા પદાર્થની ચાર એટલે ગણીને ફક્ત ચાર જ લાઈન શું કરવા બનાવતા હશે ?,એ હિસાબે એ લોકો સીધી લીટીના માણાહ કહેવાય.
વાચકોને ધ્યાન રહે કે આ પ્રશ્ન રિવર્સ સ્વિંગ છે , જવાબ આપવા જશો તો નશેડીમાં ખપી જશો. જો કે ખપી તો હું પણ જઈશ ,કેમકે હમણાં સંસ્કૃતિના રક્ષકોની ફોજ ઉમટી આવશે કે , અપોસણ જેવી પવિત્ર વસ્તુની ડ્રગ સાથે સરખામણી જ કેમ કરી ? વિદેશ જઈને સંસ્કાર કોરાણે મુક્યા ,વગેરે વગેરે. એ બીજી વાત છે કે આ લેખમાં ઉલ્લેખ થયો એ પહેલા આ સંસ્કૃતિ પૂજકો પોતે “અપોસણ ” જેવી વિધિ સમુચા ભૂલી ગયા હશે , અને માથું ખંજવાળીને વિચારતા હશે કે થાળી બહાર ભાતની ઢગલી સાથે પાણી મુકવાનું કે નહિ ?.. આઈ રેસ્ટ માય કેસ .. હાસ્ય લેખની ઓથે મૃત થઇ ગયેલા સંસ્કારો ઉજાગર કરવા તરફનું આ મારું યોગદાન સમજવું .

ખેર “છોટાસા બ્રેક” સમાપ્ત ,મૂવી તરફ આગળ વધીએ . જે રીતે ચૂંટણી દરમિયાન લાલકૃષ્ણ અડવાણી ગાયબ થઇ ગયા હતા( કે કરી દેવામાં આવ્યા હતા )એમ જ કિયારાબેન અડવાણી આ મુવીના ઉતરાર્ધમા ગૂમ થઇ જાય છે ,એ મૂવીની છેક છેલ્લી પાંચ મિનિટમાં ઢાંકોઢૂબો કરવા આવી પહોંચે છે.આખા મૂવીમા આ બેનની અટક અડવાણી હોવા છતાં મોટાભાગે મનમોહનસિંહની જેમ ચૂપ રહે છે (જો કે અડવાણી અટક હોવા છતાં મૂવીમાં એમને સરદાર બતાવ્યા છે એ એક કારણ હોઈ શકે ) આખા મુવીમાં કિયારા ટોટલ વીસ વાક્યો બોલે છે ,જેમના પહેલા દસ વાક્યો ,શાહિદ સાથે મોટર બાઈક પર સવારી કરતા કરતા બોલે છે એટલે ઘરઘરાટીમાં સંભળાતા નથી ,અને છેલ્લા દસ વાક્યો મૂવીના અંતે ભેંકડો તાણતા તાણતા બોલે છે એટલે સમજાતા નથી.

શાહિદના બાપનો રોલ સુરેશ ઓબેરોય કરે છે ,આ મહાન કલાકારની અભિનયશક્તિ વિષે એના પ્રાઈમટાઈમમાં ખાસ કહેવા જેવું હતું નહિ ,પણ હવે ….તો બિલકુલ કહેવા જેવું નથી.

સરવાળે ,આ મૂવીમાં મેડિકલ કોલેજને જે રીતે ગણિકાના કોઠા જેવી બતાવી છે અને યુવતીઓને ફસાવવી કેટલી આસાન છે એવું દર્શાવ્યું છે એ જોતા ,મુકામ પોસ્ટ મેંદરડાનાં મુફલિસો પણ મેડિકલ કોલેજમાં જવા માટે મતવાલા બનીને મસ્સકલી મસ્સકલી કરવા લાગ્યા હોય તો નવાઈ નહિ.

મૂવીનો અંત અમે કહીશું નહિ કેમકે અંત પહેલા,અમે જ બેભાન થઇ ગયેલા..!!

હેમલ વૈષ્ણવ