કબીરસિંઘનું કચુંબર


કબીરસિંઘનું કચુંબર

ઘણા ડોક્ટરના દવાખાના બહાર લખ્યું હોય છે કે બુટ ચંપલ બહાર કાઢીને અંદર આવવું. અમે નાના હતા ત્યારે એમ સમજતાકે ડોક્ટરનું દવાખાનું મંદિર જેટલું પવિત્ર કહેવાય અને ડોક્ટર ભગવાન સ્વરૂપ કહેવાય એટલે આવી યોજના કરવામાં આવી હશે. કાળક્રમે અમને ખબર પડી કે ડોક્ટરોના ચીરી નાખતા ભાવ સાંભળીને કોઈ ડોક્ટરને જોડો ઉપાડીને લમણે વળગાડી ના દે એ માટે આવું આયોજન કરવામાં આવેલું હોય છે.આ તો જોડા કાઢીને આવવાની વાત થઇ ,પણ કબીરસિંઘ એક એવું મૂવી છે કે જે તમારા લિવિંગ રૂમમાં જોતા હો તો પણ જોડા પહેરીને જોવું હિતાવહ છે.કેમકે કઈ ક્ષણે તમે આ જોતા જોતા બેભાન થઇ જાઓ અને તમને તમારો જ જોડો સૂંઘાડવો પડે એ નક્કી નહિ.

હેલ્મેટ , પીયુસી વગેરે ના કાયદા મોડા આવશે તો ચાલશે , પણ સૌથી પહેલો કાયદો એવો લાવવાની જરૂર છે કે જો કોઈ બે જણા કોલેજના પહેલા સેમિસ્ટરમાં પ્રેમમાં પડે તો બીજા સેમિસ્ટર સુધીમાં ફરજીયાત એમને સાત ફેરા ફેરાવી દેવા. આ કાયદો જો સખતપણે અમલમાં આવશે તો જ કબીરસિંહ જેવા મૂવી બનાવવાની જરૂર નહિ પડે .એક પ્રેમકથાને જે એંગલથી કદરૂપી કરી શકાય એ તમામ એંગલ આ મૂવીમાં કવર કરી લેવામાં આવ્યા છે.

છેલ્લા કેટલાય સમયથી મને લાગતું આવ્યું છે કે બોલીવડમાં ઘણા સારા કલાકારો મૌજૂદ હોવા છતાં આ પંકજપુત્ર શાહિદ કપુરને પરાણે પરાણે દર્શકને માથે મારે રાખવામાં આવે છે. દરેક ગટ્ટીમાં આમીરખાન બનવાનું ગજું નથી હોતું ,એ વાત કોણ જાણે કેમ આ પંકજપુત્રને મગજમાં ઉતરતી નથી. ખરેખર તો છેલ્લા કેટલાક વખતથી એટલે કે પધ્માવત અને ઉડતા પંજાબના વખતથી એ જે રીતે લઘરવઘર દાઢું વધારીને ફરે છે એ જોતા એ રામદેવ બાબાની મીની આવૃત્તિ જેવો વધારે લાગે છે. રામદેવ બાબાએ લોમ અનુલોમ સાથે યાહોમ કરીને આને દત્તક લઈને પંકજપુત્રમાંથી પતાંજલિપુત્રનું બિરુદ આપી દેવાનો સમય આવી ગયો છે.એના પરિણામે એ જો રામદેવના પગલે ચાલીને બ્રહ્મચર્ય અપનાવે તો એની ભ્રમરવૃત્તિ પર તાળું લાગી જાય અને કિયારા અડવાણી જેવી છોકરીઓ બચી જાય. આમ પણ આ મૂવીમાં રામદેવની જેમ જ શાહિદ ઊંડા શ્વાસ ખેંચે રાખે છે ,ફરક એટલો જ છે કે શાહિદ જેટલી વાર ઊંડો શ્વાસ ખેંચે છે એટલી વખત એના મોઢામાં સિગરેટનું ઠૂંઠું હોય છે.

જો કે કિયારાબેન પણ આ મૂવી પૂરતા તો દૂધના ધોયેલા નથી જ . મેડિકલ કોલેજના પહેલા સેમિસ્ટરમાં જ એક ઓછાબોલી યુવતિ, એ જ કોલેજના માતેલા સાંઢ જેવા છોકરાના પ્રેમમાં બેવજાહ પડી જાય. એની સાથે બોયઝ હોસ્ટેલમાં રહેવા જતી રહે એવા તુક્કા તો શેખચલ્લીને પણ નહિ આવતા હોય.આખી સ્ટોરીમાં અમદાવાદના રસ્તા કરતા પણ વધારે ખાડા છે. દિલ્હીની મેડિકલ કોલેજમાં શાહિદ કપુર ફાઇનલ ઈયરમાં ભણે છે (કે ભણવાનો ઢોંગ કરે છે ) , આ શાહિદ કપુર 50% ગૂંડો ,25% ગાંડો અને 25% બાવો (રામદેવ !!) અને 0% ડોક્ટર લાગે છે. આ રોમિયો ,કોલેજમાં નવી આવેલી કિયારા અડવાણીના પ્રેમમાં પડી જાય છે,અને એ કિયારાના કલાસમાં જઈને બાકીના વિદ્યાર્થીને ધમકી આપી આવે છે કે આજથી આ કિયારા મારી ,તમારે એને માં ,બહેન,માસી , ફાઈ,મામી કે એવું કાંઈ પણ માનવાનું નહિ. આ ધમકી એ પંજાબીમાં આપે છે ,જે કલાસ લઇ રહેલા દિલ્હીના પ્રોફેસરને જ સમજાતી નથી , પણ મૂવી જોનારા દરેક ગુજરાતીને સજ્જડ સમજાઈ જાય છે.

એની હાઉ ,આ માથા ભારે રોમિયો કિયારાને બોયઝ હોસ્ટેલમાં રહેવા લઇ જાય છે.સાલું આ ટાઈમે અમારી જેવા બોયઝ હોસ્ટેલમાં રહી ચૂકેલાને વિચાર આવે કે ,અમારી એક રૂમમાં બે વિદ્યાર્થી લીગલી રહેતા અને ત્રીજો પાર્ટનર એકાદ મહિના માટે ગેરકાયદેસર રહેતો તો પણ રેક્ટરથી ફફડતા રહેતા અને આ પતાંજલિપુત્ર ,કિયારાને લઈને …!!
આંહી જ ભારતના અભૂતપૂર્વ વિકાસને શત શત નમન કરવાની ઈચ્છા થઇ જાય …!!

જો કે દરેક પ્રેમીઓના જીવનમાં વિરહ આવતો હોય છે એમ ,આ મૂવીમાં પણ પતાંજલિપુત્ર MS કરવા મસૂરી જાય છે ,અને કિયારા બેન MBBS કરવા દિલ્હી રહી જાય છે. પણ દર ત્રીજા દિવસે પેલી સ્પાઇસ જેટની પાંખે સવાર થઈને મસૂરી પેલાને મળવા જાય છે ,અને દર પાંચમા દિવસે પેલો જટાયુ આને મળવા દિલ્હી આવતો રહે છે.વચ્ચેના દિવસોમાં બંને એપલના મોંઘાદાટ લેપટોપ પર ડેટા પ્લાનની ચિંતા કર્યા વગર ફેસ ટાઈમ પર ઇલુ ઇલુ કરે રાખે છે. આ લેખક અને એના સહાધ્યાયીઓને ગર્લફ્રેન્ડ ના હોવા છતાં ફિઝિક્લથેરાપીનો ચાર વર્ષનો કોર્સ , છ વર્ષે માંડ માંડ પૂરો કરી શક્યા હતા (આ બાબતે લેખકના સહાધ્યાયીઓ આટલા વર્ષે પણ આ લેખકનો જ વાંક જુએ છે ,એ વાત અત્રે અપ્રસ્તુત છે. ),તો આ સંજોગોમાં આ બન્ને આ ઈત્તરપ્રવૃત્તિ સાથે MS કે MBBS કેવી રીતે પૂરું કરી શકશે એવી શંકા વારંવાર જાય છે.

પંજાબી હોવા છતાં આ પ્રેમી પંખીડા હિસાબની દ્રષ્ટિએ ગુજરાતી જેવા પાકા છે ,એટલે પરણ્યા વગર પણ કેટલી વાર સહશયન કર્યું છે એનો પાકો હિસાબ રાખે છે ,અને એ આંકડો હેલમેટ વગર પકડાતા થતા દંડ કરતા પણ વધારે એવો ગંજાવર છે કે ,આ તોતિંગ જુમલા પછી હવે આ બન્ને જણ એકબીજાને પરણવાના ધમપછાડા શું કરવા કરે રાખે છે એ સામાન્ય દર્શકની સમજની બહાર જતું રહે છે .

એઝ યુઝવલ કિયારા સાથે પતાંજલીપુત્રને છાનગપતિયા કરતા કિયારાનો સરદારજી પિતા જોઈ જાય છે અને એની પાઘડીમાં લક્ષ્મી છાપ ટેટો ફૂટ્યો હોય એમ ધુમાડા નીકળવા માંગે છે ,અને બાપ,દીકરી અને પતાંજલીપુત્ર વચ્ચે તણખા ઝરવા માંડે છે ,અને દિવાળી એના નિર્ધારીત સમય કરતા વહેલી જ ઉજવાઈ જાય છે.ખુન્નસએ ભરાયેલો પાઘડી પિતા , પોતાની દીકરીને કોઈ બીજા સરદારજી સાથે બઝાડી દે છે . આના ગમમાં આપણો મીની રામદેવ બીડી ઉપરાંત દારૂ અને ડ્રગના રવાડે ચડી જાય છે ,અને તો પણ સર્જરી ઉપર સર્જરી કરે જાય છે (પછી લોકો ડોક્ટરને મારવા ના લે તો બીજું શું કરે ?)

એક આડવાત ,અમે ક્યારેય ડ્રગ લીધી નથી , ઈનફેક્ટ અમે તો કવિનાઈનની ગોળી જોઈએ તો પણ અમારા ગાત્રો શિથિલ થઇ જાય છે , એવા સંજોગોમાં એક પ્રશ્ન અમને હંમેશા સતાવતો રહ્યો છે. જુના જમાનામાં નાગરો જમતી વખતે અપોસણ મુકતા કે જેમાં થાળીની બહાર ભાતની ત્રણ નાની ઢગલી ત્રણ સ્લીપ ગોઠવી હોય એવી રીતે કરતા એમ આ ડ્રગ લેનારા પેલા ટેલ્કમ પાઉડર જેવા દેખાતા પદાર્થની ચાર એટલે ગણીને ફક્ત ચાર જ લાઈન શું કરવા બનાવતા હશે ?,એ હિસાબે એ લોકો સીધી લીટીના માણાહ કહેવાય.
વાચકોને ધ્યાન રહે કે આ પ્રશ્ન રિવર્સ સ્વિંગ છે , જવાબ આપવા જશો તો નશેડીમાં ખપી જશો. જો કે ખપી તો હું પણ જઈશ ,કેમકે હમણાં સંસ્કૃતિના રક્ષકોની ફોજ ઉમટી આવશે કે , અપોસણ જેવી પવિત્ર વસ્તુની ડ્રગ સાથે સરખામણી જ કેમ કરી ? વિદેશ જઈને સંસ્કાર કોરાણે મુક્યા ,વગેરે વગેરે. એ બીજી વાત છે કે આ લેખમાં ઉલ્લેખ થયો એ પહેલા આ સંસ્કૃતિ પૂજકો પોતે “અપોસણ ” જેવી વિધિ સમુચા ભૂલી ગયા હશે , અને માથું ખંજવાળીને વિચારતા હશે કે થાળી બહાર ભાતની ઢગલી સાથે પાણી મુકવાનું કે નહિ ?.. આઈ રેસ્ટ માય કેસ .. હાસ્ય લેખની ઓથે મૃત થઇ ગયેલા સંસ્કારો ઉજાગર કરવા તરફનું આ મારું યોગદાન સમજવું .

ખેર “છોટાસા બ્રેક” સમાપ્ત ,મૂવી તરફ આગળ વધીએ . જે રીતે ચૂંટણી દરમિયાન લાલકૃષ્ણ અડવાણી ગાયબ થઇ ગયા હતા( કે કરી દેવામાં આવ્યા હતા )એમ જ કિયારાબેન અડવાણી આ મુવીના ઉતરાર્ધમા ગૂમ થઇ જાય છે ,એ મૂવીની છેક છેલ્લી પાંચ મિનિટમાં ઢાંકોઢૂબો કરવા આવી પહોંચે છે.આખા મૂવીમા આ બેનની અટક અડવાણી હોવા છતાં મોટાભાગે મનમોહનસિંહની જેમ ચૂપ રહે છે (જો કે અડવાણી અટક હોવા છતાં મૂવીમાં એમને સરદાર બતાવ્યા છે એ એક કારણ હોઈ શકે ) આખા મુવીમાં કિયારા ટોટલ વીસ વાક્યો બોલે છે ,જેમના પહેલા દસ વાક્યો ,શાહિદ સાથે મોટર બાઈક પર સવારી કરતા કરતા બોલે છે એટલે ઘરઘરાટીમાં સંભળાતા નથી ,અને છેલ્લા દસ વાક્યો મૂવીના અંતે ભેંકડો તાણતા તાણતા બોલે છે એટલે સમજાતા નથી.

શાહિદના બાપનો રોલ સુરેશ ઓબેરોય કરે છે ,આ મહાન કલાકારની અભિનયશક્તિ વિષે એના પ્રાઈમટાઈમમાં ખાસ કહેવા જેવું હતું નહિ ,પણ હવે ….તો બિલકુલ કહેવા જેવું નથી.

સરવાળે ,આ મૂવીમાં મેડિકલ કોલેજને જે રીતે ગણિકાના કોઠા જેવી બતાવી છે અને યુવતીઓને ફસાવવી કેટલી આસાન છે એવું દર્શાવ્યું છે એ જોતા ,મુકામ પોસ્ટ મેંદરડાનાં મુફલિસો પણ મેડિકલ કોલેજમાં જવા માટે મતવાલા બનીને મસ્સકલી મસ્સકલી કરવા લાગ્યા હોય તો નવાઈ નહિ.

મૂવીનો અંત અમે કહીશું નહિ કેમકે અંત પહેલા,અમે જ બેભાન થઇ ગયેલા..!!

હેમલ વૈષ્ણવ

Advertisements